દિલમાં દીવો કરો રે, દીવો કરો.

કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

 

દયા-દિવેલ, પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો ;

મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

 

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે ;

પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

 

દીવો અભણે પ્રગટે એવો, તન ના ટાળે તિમિરનાં જેવો ;

એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.

 

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું ;

થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં૦.