ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;

ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ;

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

 

પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ;

દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;

કહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન;

ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન.

 

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;

ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;

ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત;

ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.

 

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;

ક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.

 

નિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,

જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,

તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,

કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.