મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે ꠶ટેક

 

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે;

એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે ꠶૧

 

દીન ક્રૂર ન ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે;

કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે ꠶૨

 

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું;

કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું ꠶૩

 

ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે;

વેર ઝેરના ભાવ તજીને, મંગળ ગીતોને ગાવે ꠶૪