પગ મને ધોવા દ્યો રઘુરાય,

મને શક પડ્યો મનમાંય... ꠶ટેક

રામ લક્ષ્મણ જાનકી એ, તીર ગંગાને જાય જી;

નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાય... ꠶ ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;

તો અમારી રંક જનની, આજીવિકા ટળી જાય... ꠶ ૨

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી;

અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય... ꠶ ૩

આ જગતમાં દીન દયાળું, ગરજ કેવી ગણાય જી;

ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય... ꠶ ૪

નાવડીમાં બા’વડી ઝાલી, રામની ભીલ રાય જી;

પાર ઉતારી પૂછ્યું તમે, શી લેશો ઊતરાય... ꠶ ૫

નાયીની કદી નાયી લે નહીં, આપણે ધંધા ભાય જી;

‘કાગ’ લ્યે નહીં ખારવાની, ખારવો ઊતરાય... ꠶ ૬