નાથ, હું જેવો તેવો પણ તારો

કરુણાસિંધુ ગ્રહો કર મારો ... ટેક

 

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,

શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ... નાથ હું

 

નિજ જન જૂઠાની જાતી લજ્જા, રાખો છો શ્રીરણછોડ,

શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ...નાથ હું

 

અવળનું સવળ કરો સુંદર-વર, જ્યારે જન જાય હારી,

અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ...નાથ હું

 

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,

સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ...નાથ હું

 

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,

આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ...નાથ હું

 

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,

શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ...નાથ હું